આંતરાષ્ટ્રીય યોગદિવસ : યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવા
ના ઉપાય :
આપના મિત્રો સાથે આ લેખ શેર કરો
(21 જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના ઉપલક્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયોચિત લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના નિષ્ઠાવાન સ્વયંસેવક છે.)
એકાગ્રતા શા માટે?
નાનામાં નાના કાર્યથી મહાનમાં મહાન કાર્ય કરવા માટે ઓછાવત્તા અંશે એકાગ્રતા જરૂરી છે. જ્યારે જ્યારે એકાગ્રતાને અવગણવામાં આવે છે, ત્યારે ત્યારે તેનાં પરિણામો તરત જ અને કાર્યના કદ પ્રમાણે મળી જતા હોય છે. રોજબરોજના કાર્યમાં પણ આપણે આ સમજી શકીએ છીએ. જેમ કે, બેધ્યાન થઈને વાહન ચલાવવું, રમત-ગમતમાં એકાગ્રતાનો અભાવ, વાજિંત્ર વગાડવું, ભણવું, ચાલવું, રસોઈ કરવી કે ઝાડ-પાનમાં પાણી રેડવું વગેરે દરેક બાબતમાં એકાગ્રતાનો અભાવ આપણને સફળતાથી દૂર જ રાખે છે. ક્યારેક તે નુકસાનકર્તા પણ નીવડે છે.
સ્વામી વિવેકાનંદ એકાગ્રતા વિશે કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની માત્ર એક જ રીત છે અને તે છે એકાગ્રતા કેળવવાની. જ્ઞાનના ભંડારની એક માત્ર ચાવી આ એકાગ્રતાની શક્તિ છે. બે વ્યક્તિ વચ્ચેનો તફાવત પણ એકાગ્રતાની શક્તિ જ છે. સફળ વ્યક્તિ વધુ એકાગ્ર હોય છે, જ્યારે અસફળ વ્યક્તિમાં એકાગ્રતાનો અભાવ હોય છે. સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ એકાગ્રતાનો ગુણ બાળપણથી જ દેખાય છે.
પતંજલિ મુનિએ યોગસૂત્રોમાં, યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવા પર ખૂબ જ ભાર મૂક્યો છે. યોગના જુદા જુદા આયામો પાર પાડી, અંતે ધ્યેયને સાધ્ય કરવામાં એકાગ્રતા અત્યંત જરૂરી છે. એકાગ્રતા સાધવા માટે શું કરવું જોઈએ, એકાગ્રતા સાધવાની પદ્ધતિ વગેરે અત્યંત સચોટ રીતે દર્શાવવામાં આવ્યાં છે. એકાગ્રતા વિશે સ્વામી વિવેકાનંદ યોગસૂત્રના વિભૂતિપાદના ૧૨માં સૂત્રને સમજાવતાં લખે છે, “મન એકાગ્ર થયું તે જાણવું કેવી રીતે? મન એકાગ્ર થાય એટલે સમયનો ખ્યાલ ચાલ્યો જાય. ખ્યાલ રહ્યા વગર જેટલો વધારે સમય ચાલ્યો જાય તેટલી એકાગ્રતા વધારે.”
યોગ શું છે? યોગનો ઉદ્દેશ શું છે?
યોગનો શાબ્દિક અર્થ છે મિલન. દાર્શનિક દૃષ્ટિએ તેનો અર્થ પરમાત્મા સાથેની યુતિ તેવો થાય. પરમાત્મા સાથે આપણને જોડે તેને યોગ કહેવાય. આપણાં જીવનનાં પ્રમુખ તત્ત્વો છે—અનુભવ, વિચાર અને કાર્ય. આ ત્રણેયનું પ્રેરક તત્ત્વ મન છે. યોગના અભ્યાસથી મનુષ્ય પોતાની જાતને મનથી સાવ અલગ છે, જુદી વસ્તુ છે તે જાણી શકે છે. આમ થાય ત્યારે મનને આપણી ઇચ્છા મુજબ નિયમનમાં રાખી શકાય છે. માનસિક શક્તિઓને નિયત્રંણમાં રાખવી અને એ શક્તિઓનો અસરકારક રીતે ઉપયોગ કરવો, જેથી મનુષ્યનો સર્વાંગી વિકાસ થાય અને અંતે તે જીવનના ધ્યેયને પ્રાપ્ત કરે એ યોગશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે.
યોગનો ઉદ્દેશ મનુષ્યનો સર્વાંગી વિકાસ અને ક્રમશઃ મનુષ્યત્વ પ્રાપ્ત કરવું અને અંતે સર્વોચ્ચ લક્ષ—સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવી તે છે. આ સર્વાંગી વિકાસ સાધવા માટે યોગમાં દર્શાવેલ અષ્ટાંગયોગનો અભ્યાસ અનિવાર્ય છે. યોગસૂત્ર પ્રમાણે યોગનાં આઠ અંગ છે—યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ પાંચ છે—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. નિયમ પાંચ છે—શુચિતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. કુલ ૧૯૫ સૂત્રો દ્વારા પતંજલિ મુનિએ યોગશાસ્ત્રને આપેલું સ્વરૂપ આજે પણ એમ જ વિદ્યમાન છે તથા અત્યંત પ્રસ્તુત છે.
ગીતા, વેદાંત, ઉપનિષદ પછી જો સૌથી વધુ ભાષ્ય લખાયાં હોય તો યોગસૂત્ર પર લખાયાં છે. સંસ્કૃત તેમજ ભારતની વિવિધ મુખ્ય ભાષાઓ ઉપરાંત વિદેશી ભાષાઓમાં પણ યોગસૂત્ર પર ભાષ્યો લખાયાં છે.
પ્રત્યેક વ્યક્તિમાં અનંત જ્ઞાન અને શક્તિ રહેલાં છે. યોગની મદદથી તેને જાગ્રત કરીને મનની એકાગ્રતા વડે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે.
યોગસૂત્રોમાં એકાગ્રતા સાધવાના ઉપાય
યોગસૂત્રના આરંભે જ अथ योगानुशासनम् કહ્યું છે અને તરત જ બીજા જ સૂત્રમાં તેની વ્યાખ્યા કરી છે योगश्चित्तवृत्तिनिरोधः એટલે કે ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહે છે. ચિત્ત એટલે મનનું ભૌતિક સ્વરૂપ. જેમાંથી મનની ઉત્પત્તિ થાય છે. તે દ્રવ્ય અને તેમાં જે તરંગો ઉત્પન્ન થાય છે તે વૃત્તિઓ. જ્યારે બાહ્ય કારણો તેની પર કાર્ય કરે છે, અસર કરે છે ત્યારે તરત જ તે તરંગનું-મોજાંનું રૂપ લઈ લે છે. આ વૃત્તિઓ એ જ આપણું વિશ્વ.
ચિત્તની વૃત્તિઓનો નિરોધ એટલે કે ચિત્તની સ્થિરતાનો સતત પ્રયત્ન એ યોગનો વિષય છે. આ ચિત્તની સ્થિરતા અભ્યાસ દ્વારા જ શક્ય છે. આ અભ્યાસ દીર્ઘકાળ સુધી એક ધારો કરવો જ જોઈએ. યોગસૂત્રમાં આ વાત નીચેના સૂત્ર દ્વારા જણાવેલ છે. स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः અર્થાત્ ધૈર્યપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો દૃઢ ભૂમિકા તૈયાર થાય છે. આ અભ્યાસ આદરપૂર્વક કરવો જોઈએ એ પણ એટલું જ જરૂરી છે.
યોગસૂત્રમાં ચિત્તની સ્થિરતા કેળવવા માટે આગળ ૩૩માં સૂત્રમાં પતંજલિ મુનિ જણાવે છેઃ
मैत्रीकरुणामुदितोपेक्षाणां
सुखदुःखपुण्यापुण्यविषयाणां
भावनातश्चित्तप्रसादनम्।।
અર્થાત્ સુખ, દુઃખ, પુણ્ય અને પાપમય વિષયો પ્રત્યે અનુક્રમે મૈત્રી, કરુણા, પ્રીતિ અને ઉપેક્ષાની ભાવના કેળવવાથી ચિત્તની સ્થિરતા આવે છે.
સ્વામી વિવેકાનંદ ‘રાજયોગ’માં આ સૂત્રને સમજાવતા લખે છે, “આ ચાર પ્રકારની ભાવનાઓ આપણામાં હોવી જ જોઈએ. આપણે સૌની સાથે મિત્રતા કેળવવી જોઈએ; જેઓ દુઃખી હોય તેમના પ્રત્યે દયા દાખવવી જોઈએ; જેઓ સુખી હોય તેમનું સુખ જોઈને આપણે સુખી થવું જોઈએ; અને દુષ્ટો પ્રત્યે આપણે ઉપેક્ષા રાખવી જોઈએ. આપણી સામેના સર્વ વિષયોમાં એ પ્રમાણે વર્તવું. જો એ પદાર્થ સારો હોય તો તેના પ્રત્યે આપણે મિત્રતા રાખવી, જો વિચારાતો વિષય દુઃખપૂર્ણ હોય તો આપણે તેના પ્રત્યે કરુણા રાખવી. જો તે સારો હોય તો આપણે રાજી થવું, જો તે ખરાબ હોય તો તેની ઉપેક્ષા કરવી. મનની સામે આવતા જુદા જુદા વિષયો પ્રત્યેનું આ પ્રમાણેનું જુદી જુદી રીતનું વલણ મનને શાંત બનાવશે. મનને આવી રીતે રાખી શકાતું નથી, તેને લઈને જ આપણા રોજિંદા જીવનમાં ઘણી ખરી મુશ્કેલીઓ ઊભી થાય છે. દાખલા તરીકે, જો કોઈ માણસ આપણું બૂરું કરે તો તરત જ તેનું બૂરું કરવાનો વિચાર આપણને થઈ આવે છે અને એ બાબત જ બતાવે છે કે આપણે આપણા ચિત્તને હજુ કાબૂમાં રાખી શકયા નથી; એ વિષય તરફ એ તરંગના સ્વરૂપમાં બહાર આવી જાય છે અને એટલે આપણે આપણી શક્તિ ગુમાવીએ છીએ. ધિક્કાર કે બૂરું કરવાની વૃત્તિરૂપી દરેક પ્રતીક્રિયા મનની ક્ષતિ સમજવી અને દરેક દુષ્ટ વિચાર કે ધિક્કારપૂર્ણ કાર્ય કે પ્રતીક્રિયાના કોઈ પણ વિચારને કાબૂમાં રાખવામાં આવે તો તે આપણા ફાયદામાં રહેશે. આ પ્રમાણે આપણી જાતને સંયમમાં રાખવાથી આપણે કશું ગુમાવીએ છીએ એમ નથી, પણ ઊલટું આપણે માનીએ છીએ તેના કરતાં અનેકગણું વધારે મેળવીએ છીએ. જ્યારે જ્યારે આપણે ધિક્કાર કે ક્રોધની લાગણીનું દમન કરીએ છીએ, ત્યારે ત્યારે તેટલી સારી શક્તિ આપણામાં સંઘરવાનો આપણને લાભ મળે છે, અને એ શક્તિઓનું વધુ ઉચ્ચ પ્રકારની શક્તિઓમાં રૂપાંતર થશે.
ત્યાર બાદ ૩૪માં સૂત્રમાં પતંજલિ મુનિ જણાવે છેઃ प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य। અર્થાત્ પ્રાણના બહાર કાઢવાથી (રેચકથી) અને નિરોધથી (કુંભકથી) પણ ચિત્ત સ્થિર બને છે.
સ્વામી વિવેકાનંદ આ શ્લોકને વિસ્તારતા જણાવે છે કે સમગ્ર વિશ્વ પ્રાણ અને આકાશનું સંયોજન છે, તે જ રીતે માનવ-શરીર પણ. જે તમે જુઓ છો કે અનુભવો છો તે બધા પદાર્થો આકાશમાંથી ઉત્પન્ન થયા છે. આ પ્રાણશક્તિને બહાર કાઢવાની અને તેને કાબૂમાં રાખવાની ક્રિયાને પ્રાણાયામ કહેવામાં આવે છે.
યોગદર્શનના જનક પતંજલિ મુનિ પ્રાણાયામ વિશે ઘણી વિવિધ સૂચનાઓ આપતા નથી પણ તેમની પછીના બીજા યોગીઓએ આ પ્રાણાયામ વિશે વિવિધ બાબતો શોધી કાઢી અને તેને એક મહાન વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું. પતંજલિના મત પ્રમાણે તો પ્રાણાયામ એ ચિત્તવૃત્તિ પર કાબૂ મેળવવા માટેના અનેક ઉપાયો માંહેનો એક ઉપાય છે, પરંતુ તે તેના પર બહુ ભાર મૂકતા નથી. તેમના કહેવાનો અર્થ એવો છે કે તમે માત્ર શ્વાસને બહાર કાઢો અને અંદર ખેંચો અને તેને અમુક સમય સુધી રોકી રાખો, બસ એટલું જ અને એનાથી મન થોડુંક શાંત થશે. પણ પાછળથી આનો વિકાસ થઈને પ્રાણાયામનું એક ખાસ વિજ્ઞાન થઈ ગયું છે.
યોગના ચાર માર્ગ
(૧) રાજયોગઃ મહર્ષિ પતંજલિએ યોગસૂત્રોમાં દર્શાવ્યા પ્રમાણે યોગનાં આઠ સોપાનોને પાર કરતાં કરતાં ચિત્તરૂપી સરોવરમાં બધા તરંગો શમી જાય છે અને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય છે.
(૨) જ્ઞાનયોગઃ શ્રવણ-મનન અને નિદિધ્યાસન દ્વારા ઈશ્વર જ સત્ય અને બીજું બધું અસત્ નો વિચાર પકડીને સ્વ-સ્વરૂપનું ચિંતન કરવું અને સત્-ચિત્-આનંદ સ્વરૂપનો અનુભવ જ્ઞાનયોગ કરાવે છે.
(૩) ભક્તિયોગઃ આ યોગ સૌથી સલામત છે. પ્રેમ અને શરણાગતિનો માર્ગ છે. સાધક ધ્યાન, પૂજા, મંત્ર-ઉચ્ચારણ, પ્રાર્થના જેવાં સાધનોની મદદથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે.
(૪) કર્મયોગઃ કર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરીને કોઈ પણ જાતની અપેક્ષા વગર કરેલું નિષ્કામકર્મ ચિત્તની શુદ્ધિની પ્રક્રિયામાં અત્યંત સહાયભૂત થાય છે અને સાધક ઉચ્ચતત્ત્વને પામે છે.
સ્વામી વિવેકાનંદ ચારેય યોગના સમન્વયની વાત કરે છે અને અંતે મુક્ત થવા પર ભાર મૂકે છે.
ઉપસંહાર
દેશ-વિદેશમાં યોગ વિશે ખૂબ જ ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે. યોગ એટલે માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહીં, પરંતુ જીવનમાં શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાની તેમજ રોજિંદા જીવનમાં શાંતિ અને સફળતા મેળવવાની કળા છે, તે સમજવાની અને ચારેય યોગના સમન્વય દ્વારા સ્વામી વિવેકાનંદે નિર્દેશેલા માર્ગની મદદથી જીવન ધન્ય તેમજ સફળ બનાવવાની ચાવી છે. તે સમજવામાં પરમતત્ત્વ આપણને સૌને સહાય કરે એ જ પ્રાર્થના.
No comments:
Post a Comment